ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
યોગ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] पुं. અભિધાવૃત્તિના ત્રણ માંહેનો એક પ્રકાર; વ્યુત્પત્તિથી થતા શબ્દનો અર્થ; વાચ્યાર્થ.
पुं. ( પિંગળ ) આઠની સંજ્ઞા.
पुं. આદેશ; આજ્ઞા.
पुं. ઉદ્યોગ; ઊદ્યમ.
पुं. ઉપયોગમાં લગાડવું તે; યોજના.
पुं. ઉપયોગીતા; ઉપયોગી હોવાપણું.
पुं. ઉપાય; ઇલાજ; સાધન; સાહિત્ય; સામગ્રી.
पुं. ( પિંગળ ) એ નામનો એક માત્રામેળ છંદ. તેમાં અંતે યગણ આવે છે. તેમાં ૧૩, ૧૭ અને ૧૯ માત્રાએ તાલ આવે છે.
पुं. કર્મ બાંધવાનાં અનેક માંહેનું એ નામનું એક કારણ. મન, વચન અને કાયાને અશુભ કાર્યમાં પ્રવર્તાવવાથી જે અધ્યવસાયની મલિનતા જણાય છે તેથી કર્મબંધ થાય છે. તે યોગ નામનું કર્મબંધનું ચોથું કારણ છે.
૧૦ पुं. ખંત; ઉત્સાહ.
૧૧ पुं. ચંદ્ર કે સૂર્યના અમુક સ્થાનમાં આવવાથી થતા સત્તાવીશ વિશિષ્ટ અવસરમાંનો પ્રત્યેક. દરેક યોગ આશરે ૬૦ ઘડી સુધી રહે છે. ચંદ્ર સૂર્યની ગતિનો સરવાળો ૧૩ અંશ ૩૦ કળા થવાને જેટલો કાળ લાગે છે તે યોગ કહેવાય છે. ચંદ્ર સૂર્યના ભોગનો સરવાળો કરીને તેના ઉપર ૮૦૦ કળાનો સરવાળો થવાને જે કાળ લાગે છે તેને યોગ કહે છે. પંચાગમાં યોગનાં અંગનો સમાવેશ કરવાની પદ્ધતિ વરાહમિહિર પછી પ્રચારમાં આવી એવો તજ્જજ્ઞોનો મત છે. યોગ સત્તાવીશ છે: વિષ્કંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંજ, સુકર્મા, ધૃતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વજ્ર, સિદ્ધિ, વ્યતિપાત, વરીયાન, પરિધ, શિવ, અસૃફસિદ્ધિ, સાધ્ય, શુભ, શુકલ, બ્રહ્મા, ઐંદ્ર, અને વૈધૃતિ. વળી આનંદ, કાળદંડ, પ્રજાપતિ, શુભ, સૌમ્ય, ધ્વાંક્ષ, ધ્વજ, શ્રીવત્સ, વજ્રયોગ, મુદ્દગર, છત્રયોગ, મિત્ર, મનોજ્ઞ, કપ, લુંબક, પ્રવાસ, મરણ, વ્યાધિ, સિદ્ધ, શૂલ, અમૃત, મૂશલ, ગજ, માતંગ, ક્ષય, ક્ષિપ્ર, સ્થિર અને વર્ધમાન એવાં પણ યોગનાં અઠ્ઠાવીસ નામ છે.
૧૨ पुं. ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે; આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે દ્વ્રારા અં:તકરણની ઈશ્વર સાથે એકાગ્રતા કરવાનો માર્ગ; પતંજલિ મુનિએ શોધી કાઢેલી બ્રહ્યૈક્ય સાધવાની એક રીત. યોગ-દર્શનકાર પતંજલિએ આત્મા અને જગતના સંબંધમાં સાંખ્યદર્શનના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન અને સમર્થન કર્યું છે. પતંજલિના યોગદર્શનને સમાધિ, સાધન, વિભૂતિ અને કૈવલ્ય એ ચાર પાદ કે ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે. સમાધિ પાદમાં એ બતાવવામાં આવ્યું છે કે, યોગના ઉદ્દેશ્ય અને લક્ષણ શું છે અને તેનું સાધન કયા પ્રકારે થાય છે. સાધન પાદમાં કલેશ, કર્મવિપાક અને કર્મફલ વગેરેનું વિવેચન છે. વિભૂતિ પાદમાં યોગનાં કયાં કયાં અંગ છે, તેનું પરિણામ શું આવે છે અને તેના દ્વ્રારા અણિમા, મહિમા વગેરે સિદ્ધિઓની કેવી રીતે પ્રાપ્તિ થાય છે વગેરે આપેલ છે. કૈવલ્ય કે મોક્ષનું વિવેચન કરવામાં આવેલું છે. સંક્ષેપમાં યોગદર્શનનો મત એવો છે કે: મનુષ્યને અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ પાંચ પ્રકારના કલેશ થાય છે અને તેને કર્મના ફળો અનુસાર જન્મ લઈને આયુષ્ય વિતાવવું પડે છે અને ભોગ ભોગવવા પડે છે. પતંજલિએ આ બધાથી બચવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય યોગ બતાવ્યો છે અને કહ્યું છે કે, ક્રમાનુસાર યોગનાં અંગોનું સાધન કરતાં મનુષ્ય સિદ્ધ થઈ જાય છે અને છેવટે મોક્ષ મેળવી લે છે. યોગ આચરનાર સંસારને દુ:ખમય અને હેય માને છે. આર્યમહારથીઓએ અધિકારભેદથી જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, રાજયોગ, હઠયોગ, લયયોગ વગેરે અનેક માર્ગ પ્રવર્તિત કર્યા છે. યોગવાસિષ્ઠમાં યોગ શબ્દનો અર્થ સંસારસાગરમાંથી તરવાની યુક્તિ એમ કરેલો છે. વાણીનો નિરોધ, પરિગ્રહનો પરિત્યાગ, આશારહિતપણું, બુદ્ધિપૂર્વક ક્રિયા કરવાનો અભાવ અને સર્વદા એકાંતમાં રહેવાનો સ્વભાવ એ બધાં યોગનાં પ્રથમ દ્વાર છે. તેઓ પુરુષ કે જીવાત્માના મોક્ષને માટે યોગ જ એક માત્ર ઉપાય માને છે. પતંજલિએ ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, નિરુદ્ધ અને એકાગ્ર એ પાંચ પ્રકારની વૃત્તિઓ માની છે અને તેનું નામ તેઓએ ચિત્તભૂમિ રાખ્યું છે કહ્યું છે કે, શરૂઆતની ત્રણ ચિત્તભૂમિઓમાં યોગ થઈ શકતો નથી. ફક્ત છેલ્લી બેમાં જ થઈ શકે છે. આ બે ભૂમિઓમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એવા બે પ્રકારના યોગ થઈ શકે છે. જે અવસ્થામાં ધ્યેયનું રૂપ પ્રત્યક્ષ રહે છે તેને સંપ્રજ્ઞાત કહે છે. અસંપ્રજ્ઞાત અવસ્થામાં કોઈ પણ પ્રકારની વૃત્તિનો ઉદય થતો નથી અર્થાત્ જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ નથી રહેતો, માત્ર સંસ્કાર બાકી રહે છે. આને જ યોગની અંતિમ ભૂમિ માનવામાં આવે છે અને તેની સિદ્ધિ થવાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. ચિત્તની વૃત્તિઓને રોકવાના ઉપાય તરીકે અભ્યાસ અને વૈરાગ્ય, ઈશ્વરનું પ્રણિધાન, પ્રાણાયામ અને સમાધિ, વિષયોથી વિરક્ત થવું વગેરે બતાવ્યાં છે. એમ પણ કહ્યું છે કે, જે લોકો યોગનો અભ્યાસ કરે છે તેઓમાં અનેક પ્રકારની વિલક્ષણ શક્તિઓ પણ આવી જાય છે. તેને વિભૂતિ કે સિદ્ધિ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠે ય યોગનાં અંગ કહેવાય છે અને યોગસિદ્ધિને માટે આ આઠે ય અંગોનું સાધન આવશ્યક અને અનિવાર્ય કહેલું છે. યોગના બે પ્રકાર છે: એક સબીજયોગ અને બીજો નિર્બીજયોગ. નિર્બીજયોગની સાધનામાં ચંચળ અને અસ્થિર એવું મન જ્યાં જ્યાં ભટકતું ફરે ત્યાં ત્યાંથી તેને પાછું વાળી કેવળ આત્મામાંજ વશ કરવું એમ ગીતામાં કહેલું છે. આ પ્રમાણે સમાધિ થવી દુષ્કર થઈ પડે છે; પણ સબીજયોગમાં સમાધિ સુકર થાય છે, કેમકે, તેમાં પરમાનંદમૂર્તિ શ્રીહરિનું ધ્યાન કરવાથી ચિત્ત ઉપરામ પામે છે.
૧૩ पुं. છ દર્શનમાંનું એક યોગદર્શન. તેમાં ચિત્તને એકાગ્ર કરીને ઈશ્વરમાં લીન કરવાનું વિધાન છે.
૧૪ न. છલ; દગો; વિશ્વાસઘાત.
૧૫ पुं. ( વૈદ્યક ) જુદાં જુદાં દ્રવ્યોની આરોગ્ય માટે યોજના કે પ્રયોગ.
૧૬ पुं. જોગ; અનુકૂળ સમય; શુભકાળ; અવસર; પ્રસંગ; લાગ.
૧૭ पुं. જોડાણ; મિલન; સંબંધ; સંયોગ; બેનું જોડાવું તે; એકઠા થવું તે; મળવું તે; મેળ; સંગમ; મેળાપ.
૧૮ पुं. તિથિ અને વાર સાથે આવે તે.
૧૯ पुं. દલીલ.
૨૦ पुं. દવા; ઔષધ.
૨૧ पुं. દશા; હાલત; સ્થિતિ.
૨૨ पुं. દૂત; ચર; ચાર; જાસૂસ.
૨૩ पुं. દ્રોહી; દગો દેનાર માણસ.
૨૪ पुं. ધન; મિલકત; દોલત.
૨૫ पुं. ધનસંપત્તિ પ્રાપ્ત કરવી અને તેને વધારવી તે.
૨૬ पुं. ધૂંસરી.
૨૭ पुं. ધ્યાન; બ્રહ્મ સાથે જોડાઈ જવું તે; ઈશ્વરમાં એકાગ્ર ચિત્ત રાખવું તે.
૨૮ पुं. નક્ષત્ર માંહેનો મુખ્ય તારો.
૨૯ पुं. નિયમ; કાયદો.
૩૦ पुं. પરિણામ.
૩૧ पुं. પાતંજલ યોગને અનુસરનાર માણસ.
૩૨ पुं. પ્રવૃત્તિ; ક્રિયા; વ્યાપાર.
૩૩ पुं. પ્રાપ્તિ; મળવું કે મેળવવું તે.
૩૪ पुं. પ્રેમ; સ્નેહ; સદ્ભાવ.
૩૫ पुं. બખતર.
૩૬ पुं. બખતર ધારણ કરવું તે.
૩૭ पुं. બંદોબસ્ત; ગોઠવણ.
૩૮ पुं. બંધબેસતા થવું તે; યોગ્યતા; બંધબેસતાપણું.
૩૯ पुं. મંત્ર; જાદૂ.
૪૦ पुं. ( જૈન ) માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ. તેના પંદર ભેદ છે: ૪ મનોયોગ: સત્યમનોયોગ, અસત્યમનોયોગ, ઉભયમનોયોગ અને અનુભયમનોયોગ ૭ કાયયોગ: ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિયક, વૈક્રિયકમિશ્ર, આહારક, આહારકમિશ્ર અને કાર્મણ તથા ૪ વચનયોગ: સત્યવચનયોગ, અસત્યવચનયોગ, ઉભયવચનયોગ, અનુભયવચનયોગ. શ્રીમદ્ રાજચંદ્ર અનુસાર યોગના બત્રીશ પ્રકાર આ પ્રમાણે છે: (૧) શિષ્યને સૂત્રાદિકનું જ્ઞાન આપવું,(૨) પોતાના જ્ઞાનનો બીજાને બોધ કે પ્રકાશ કરવો, (૩) આપત્તિકાળે પણ ધર્મનું દૃઢપણું તજવું નહિ (૪) આ લોક તથા પરલોકનાં સુખના ફળની વાંછા વિના તપ કરવું, (૫) શિક્ષા પ્રમાણે સંભાળથી વર્તવું અને નવી શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી, (૬) મમત્વનો ત્યાગ કરવો, (૭) ગુપ્ત તપ કરવું, (૮) નિર્લોભતા રાખવી, (૯) પરિષહ તથા ઉપસર્ગને જીતવા, (૧૦) સરલ ચિત્ત રાખવું, (૧૧) આત્મસંયમ શુદ્ધ પાળવો, (૧૨) સમક્તિ શુદ્ધ રાખવું, (૧૩) ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી, (૧૪) કપટ રહિત આચાર પાળવો, (૧૫) યોગ્ય પુરુષોનો યોગ્ય વિનય કરવો, (૧૬) સંતોષ વડે તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી, (૧૭) વૈરાગ્ય ભાવનામાં નિમગ્ન રહેવું, (૧૮) માયારહિત વર્તવું, (૧૯) શુદ્ધ કરણીમાં સાવધાન થવું, (૨૦) સંવરને આદરવો, પાપને રોકવાં, (૨૧) પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા, (૨૨) સર્વ પ્રકારના વિષમથી વિરક્ત રહેવું, (૨૩) મૂળગુણે પંચમહાવૃત્ત વિશુદ્ધ પાળવાં, (૨૪) ઉત્તમગુણે પંચમહાવૃત્ત વિશુદ્ધ પાળવાં (૨૫) ઉત્સાહપૂર્વક કાર્યોત્સર્ગ કરવો, (૨૬) પ્રમાદ રહિત જ્ઞાનધ્યાનમાં પ્રવર્તન કરવું, (૨૭) હમેશા આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું (૨૮) એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું, (૨૯) મરણાંત દુ:ખથી પણ ભય પામવું નહિ, (૩૦) સ્ત્રી વગેરેના સંગને ત્યાગવો, (૩૧) પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી અને (૩૨) મરણકાળે આરાધના કરવી.
૪૧ पुं. યાન; વાહન.
૪૨ पुं. રીત; પ્રકાર; રૂઢિ; ઢબ.
૪૩ पुं. લાભ; ફાયદો.
૪૪ पुं. વશીકરણ; કોઈને વશ કરવાનો ઉપાય.
૪૫ पुं. વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ.
૪૬ पुं. વ્યુત્પત્તિ.
૪૭ पुं. શક્યતા; સંભવ.
૪૮ पुं. શસ્ત્રસરંજામ; યુદ્ધની સામગ્રી.
૪૯ पुं. શિવનાં હજાર માંહેનું એક નામ.
૫૦ पुं. શ્રેણી; સાંકળ; સંકલના.
૫૧ पुं. સમુદાય શબ્દનો અવયવાર્થ સાથે સંબંધ; શબ્દ વગેરેનો પ્રયોગ.
૫૨ पुं. સરવાળો; ઉમેરવું તે; અસમાન સંખ્યાનો સરવાળો.
૫૩ पुं. સંધિ; સંબંધ; સંયોગ; સમાગમ.
૫૪ पुं. સૂત્ર.
૫૫ पुं. સ્વાયંભૂવ મન્વંતરમાં ધર્મઋષિને ક્રિયાની કૂખે થયેલો પુત્ર.
૫૬ वि. યોગ્ય; વાજબી.
૫૭ वि. વિશ્વાસઘાતી; દગાબાજી.
૫૮ अ. મારફત; દ્વારા, લીધે; વડે.