ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
સિહોર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
न. એ નામનું સૌરાષ્ટ્રમાં આવેલું એક ઐતિહાસિક પ્રાચીન શહેર તે ભાવનગર રાજ્યની જૂની રાજધાની હતું. ખંભાતના અખાતના પશ્ર્ચિમ કાંઠે ગ્રેનાઈટ પથ્થરના ડુંગરની એક ગિરિમાળા છે. આ ખરબચડી ગિરિમાળા ચમારડી ગામ તરફ ઝૂકતી જાય છે. આવી ભૌગોલિક, પૌરાણિક, ઐતિહાસિક વિશિષ્ટતા ભરી સંકલના હિંદના અન્ય ભાગમાં જવલ્લે જ જોવામાં આવે છે. આ પર્વત કે ડુંગરાની ગોદમાં આ શહેર છુપાયેલું છે. તે સિંહપુર, સિંહગઢ, સારસ્વતપુર વગેરે નામથી જાણીતું છે. તેની પ્રાચીનતા સ્કંદપુરાણ સુધી તો સ્પષ્ટ નજરે પડે છે. અહીંની પર્વતમાળાના મુખ્ય ફાંટા આ પ્રમાણે છે: મોદળ, છાપરો, બોડીધાર, લાંબધાર, ખેરીઓ,અગથીઓ, વાવીઓ, જરખીઓ, કાળો, શૂળીધાર, દીપડીઓ, તરશિંગડો અને નળીઓ વગેરે. આ ડુંગરાઓમાં અતુલ ખનિજ સંપત્તિ રહેલી છે; ઇમારતી પથ્થર, લીલા, કાળા અને પીળા પથ્થર, તાંબા અને લોઢાનાં રજકણો, ચિનાઈ માટી, કોલસા વગેરે સંપત્તિ ભૂગર્ભમાં વિપુલ પ્રમાણમાં પડેલી છે એમ રસાયણશાસ્ત્રીઓ જણાવે છે. સિહોર નામ વિષે જાતજાતની દંતકથાઓ ચાલે છે. કોઈ મતે ત્યાં સિંહની બહોળી વસતી હતી તેથી તે સિંહપુર કહેવાતું.જ્યારે એક મત એવો પડે છે કે, વલ્લભી વંશ પહેલાં સિંહવંશના રાજાઓ થઈ ગયેલા. તેના નામ ઉપરથી સિંહપુર નામ પડેલું. ઇતિહાસનો પહેલો થર એમ દર્શાવે છે કે, મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણઓનું બહુમાન કરી પાંચ ગામ દાનમાં આપ્યાં અને ધીમે ધીમે બ્રાહ્મણોનું પરિબળ જામતું ગયું. ગુર્જરેશ્વર જયસિંહ મહારાજે મહારુદ્ર કરેલો ત્યારે દેશદેશના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવેલા; તેમાંના મોટા ઋત્વિજો સિદ્ધપુર અને સિંહપુરના હતા એમ તો કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં સ્વીકારે છે. અહીં રણા અને જાની એવા ગોત્રના બ્રાહ્મણો વસતા હતા. નજીવા પ્રસંગ ઉપરથી બંને પક્ષ વચ્ચે વર્ગવિગ્રહ થયો અને કતલ ચાલી. પછી રણાએ ગારિયાધારના રજપૂતોની અને જાનીએ ઉમરાળાના ગોહિલોની સહાય માટે ધા નાખી. આમ જૂનું સિહોર નાશ પામ્યું. તેના અવશેષ સાતથંભીએ આજે પણ જોવા મળે છે. ગોહિલવંશના રાજાઓએ નવું સિહોર વસાવી ગિરિમાળાની ગોદમાં એક મજબૂત કિલ્લો બંધાવ્યો. શહેરની સુરક્ષા માટે તેમાં જે કોઠાની કિલ્લેબંધી છે તેવી કરામત જૂનાગઢ અને પાવાગઢના પુરાણા કિલ્લાઓમાં પણ જોવામાં આવતી નથી, ઔરંગઝેબના અવસાન પછી મોગલાઈ તૂટવા લાગી તે વખતે શિવાજી મહારાજના પૌત્ર શાહુએ પોતાના સરદાર કંતાજીકદમબંદે અને પિલાજી ગાયકવાડને ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા મોકલેલા. મરાઠા તરફથી શિવરામ ગાર્દી સૌરાષ્ટ્રમાં આવ્યો અને સિહોરને પાદર પડાવ નાખ્યો. આ યુદ્ધ કાઠયાવાડની થર્માપોલી તરીકે ઓળખાય છે. જેસર પાસે ગરેડની ગાળીમાં ખૂનખાર જંગ જામ્યો. સિહોરના કિલ્લાની તોપો વડે મરાઠા લશ્કરને પરાજય મળ્યો. આમ સિહોર પ્રદેશમાંથી મરાઠાને ખંડણી અપાતી બંધ થઈ એટલે ગોહિલોએ ભાવનગરમાં ગાદી સ્થાપી. આખા ગોહિલવાડ પ્રદેશમાં પોતાનું સાર્વભૌમત્વ સ્થાપિત કર્યું. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં તથા અત્યારે જે ઇતિહાસના અસ્થિશેષો પરિભ્રમણ કરતાં હાથ લાગે છે તે ઉપરથી એટલું સ્પષ્ટ જણાઈ આવે છે કે, આ શહેર એક કાળે સમૃદ્ધ પાટનગર હોવું જોઈએ. સિહોરથી માત્ર થોડે જ દૂર દરિયો હોવાનો તર્ક પણ પ્રામાણહીન તો નથી જ. ઘાંઘળી પાસેની ખારી નદી તેનું આજે પણ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. આ ફાંટો પશ્ર્ચિમે વળાવડ સુધી લંબાયેલો હતો. આ પ્રદેશની અત્યાર સુધી જળવાઈ રહેલી ખારાશ પણ ઉપરના વિધાનનું કાંઈક અંશે સમર્થન કરે છે. જૈન કલ્પસૂત્રમાં એવી હકીકત આવે છે કે, વિમલાપુરી ( વલ્લભીપુર ) નો વિસ્તાર શત્રુંજય સુધી હતો. તેની તળેટીમાં એક શહેર હતું અને તે બંદર પણ હતું. બાર યોજનના ગણાવેલા તેના ઘેરાવામાં સિહોર, ચોગઠ, ચમારડી, ખોખરા અને તળાજા આવી જાય છે. સૌરાષ્ટ્રમાં બ્રાહ્મણશાસનના અવશેષો આજે સુખનાથ, જોડનાથ, પંચમુખ, દયાનંદગુફા, બ્રહ્મકુંડ. ગૌતમેશ્વર, ગૌતમગુફા, વિશ્વનાથ, ભવનાથની જગ્યામાં વેરાયેલા છે. આ માંહેના બ્રહ્મકુંડની પૌરાણિક કૃતિ સિદ્ધરાજના સમયમાં કોઢ નિવારણાર્થે સિહોરમાં આજ પણ મોજૂદ છે અને ગિરિગહ્વર માંહેની ગૌતમેશ્વરની જગ્યા સરસ્વતીચંદ્ર જેવી ગુજરાતી પ્રથમ પંક્તિની નવલકથામાં સુવર્ણગિરિની ટેકરી રૂપે અમર થયેલ છે. અહીંની સાતશેરીની થંભીઓ ઉપર એક કાળે મંદિરના ઘુંમટ હતા. આજે તો એ છિન્નભિન્ન થઈ ગયા છે. સિહોરની નજીક એક દયાનંદગુફા છે, તેની રચના ધ્યાન ખેંચે તેવી છે. આ ગુફા પથ્થરવાળા ભાગમાં ઊંડાણથી કોરી કાઢેલી છે. ૧૮૫૭ના બળવામાં પરાજય પામી હતાશ થઈને કેટલાક તોપચી ગુપ્ત વેશે અહીં આવી ચડેલા.તેમાંના દયાનંદ, બલરામસિંહ અને રામચંદ્ર મુખ્ય હતા. સૌરાષ્ટ્રમાં પ્રાચીનતમ સ્થળો તો અનેક છે, પણ જેના પુરાણા અવશેષો, કડીબદ્ધ વિગતો અને હકીકતો ઉપલબ્ધ થતી હોય તેવું પ્રાકૃતિક રમણીયતાથી ભરપૂર જો કોઈ સ્થળ હોય તો તે આ છે. ચીની મુસાફર હ્યુએનસાંગે પણ વલ્લભીપુરના વર્ણન સાથે સિહોરનો માનભર્યો ઉલ્લેખ કરેલો જોવામાં આવે છે. તેના પુરાણા અવશેષો જુદી જુદી ટેકરીઓ ઉપર સાતશેરી નામે જે થંભો જળાવાઈ રહ્યા છે તે એક હજાર વર્ષ પહેલાંના સૂર્યમંદિરને મળતા આવે છે. જયમુનિકૃત પાંડવાશ્વમેધ ઉપરથી જણાય છે કે, આજથી પાંચ હજાર વર્ષ ઉપર સિહોર સારસ્વતપુરના નામથી પ્રસિદ્ધ હતું અને તેની આસપાસના પ્રદેશને સારસ્વત દેશ કહેતા. ઐતિહાસિક દૃષ્ટિએ અમુલ્ય એવી અનેક માહિતીઓ આ વિસ્તારની ઘરતીના પેટાળમાં દટાયેલી પડી છે. હાલના સિહોરની દક્ષિણે આવેલ સાતશેરીના ડુંગરાની તળેટીના પૂર્વ ભાગમાં જમીન નીચેથી અર્ધ દટાયેલી ત્રણ દેરીઓ ડોકિયા કરી રહી છે. આ સાતશેરી ડુંગરાની બાજુમાં જ ` ઇંટડિયા ધાર.` કરીને એક ઇંટરી-ચણતર ટીંબો છે. મૌર્ય વંશના સિક્કાઓ તેમ જ હાથી દાંતના વિવિધ અલંકારોનાં અવશેષો તો આજ પણ અમુક ગૃહસ્થો પાસે તેમ જ સિહોરની લાયબ્રેરીમાં સંગ્રહાયેલા પડ્યા છે. પહેલાના સિંહપુરની ચણેલ દિવાલોના ખંડિયેરો પણ પુરાતત્ત્વ રસિકોને આકર્ષે છે. સૌરાષ્ટ્ર સરકારે ઇંટડિયા ધારના વિસ્તારને રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. એવી માન્યતા છે કે, સાતશેરી બાજુના ઇંટડી ટીંબા નીચે અતિ પ્રાચીન સમયમાં સારસ્વતપુર નામનું એક વિશાળ નગર હશે. એમ કહેવાય છે કે, મહાભારત સમયમાં યાદવોના આંતરકલહ પછી તેમનું એક સારસ્વત નામનું કુળ આ બાજુ આવી વસ્યું હતું. એથી શહેરનું નામ સારસ્વતપુર પડ્યું. આજના સિહોરની બાજુમાં જ વલ્લભીપુર અને પાદલિપ્તપુર ( પાલીતાણા ), પૂર્વે હસ્તિવપ્ર ( હાથબ ), કુંડીનપુર ( ગુંદી કોળિયાક ) અને તાલધ્વજ ( તળાજા ) તેમ જ દક્ષિણે મધુમાવતી ( મહુવા ) અને જરા દૂર ઉત્તરે વિરાટનગરી ( ધોળકા ) વગેરે પ્રાચીન શહેરોના કેન્દ્રમાં જ ભૌગોલિક સ્થાન જોતાં સારસ્વતપુરની મહત્તા સ્વયંસિદ્ધ છે. વળી સિહોરની ગૌતમી નદી, ગૌતમ કુંડ અને ગૌતમેશ્વર મહાદેવ સાથે ગૌતમ ઋષિનું નામ જોડાએલું છે. એ ઋષિ ઉપનિષદ સમયના ઉદ્દાલક ગૌતમ હોઈને ખરેખર આ પ્રદેશ પ્રાચીન ને ઐતિહાસિક કહી શકાય. આજે આ શહેર વેપાર માટે જાણીતું છે. તાંબાંપિત્તળનાં વાસણ અને છીંકણી માટે આ શહેર પ્રખ્યાત છે. સિહોરની રચના પર્વત વચ્ચે તળેટીમાં આવેલા શહેર જેવી પણ પાઘડીપને છે. તેની ચારે દિશામાં જુદા જુદા દેવોની સુપ્રસિદ્ધ જગ્યાઓ છે. જેમકે, એક બાજુ સિહોરી માતા તો બીજી બાજુ ગૌતમેશ્વર, ત્રીજી બાજુ પ્રગટેશ્વર તો ચોથી બાજુ સુખનાથ છે. સાતશેરીની ઐતિહાસિક ટેકરી ઉપર ગ્રામપંચની બેઠક જે જૂના સિહોરમાં આવેલી છે તેનો ઇતિહાસ પણ રોમાંચક છે. આ શહેરના નૈસર્ગિક વાતાવરણને કવિ વિહારીએ વર્ણવ્યું છે કે: સિહોર એ એક અતિ પ્રાચીન અને રમ્ય પુણ્યભૂમિ છે. તેની ટેકરીએ ટેકરીએ દેવોને પ્રિયતમ વાસ છે, તેને પાણે પાણે પ્રાચીન ઇતિહાસો આલેખાયા છે,તેને કુંડે કુંડે પાવનકારી ગંગોદક જમનોદક છે, તેને પગથિયે પગથિયે પુણ્યવંતાં પાદચિહ્નો છે. સિંહપુરીનાં શૌર્યભીનાં શિખરોને પણ કવિએ પોતાનાં કાવ્યોમાં અમર કરેલ છે: કાળી ખીણો ખાણો ગુફા, કાળાં શિખર કાળી શિલા; અંજાવતું ભુલાવતું અજવાળું, અતિ આંખો ન જ્યાં. મૂર્તિ પુરાણી પ્રેમની, બ્રહ્માંડ ઘડનારે ઘડી; જનની સમાણી જન્મભૂમિ, સ્વર્ગ કરતાં યે ચડી.
[ હિં. ] न. શાખોટક વૃક્ષ; પીતફલ.